સર્ગ  પાંચમો

ચૈત્ય  પુરુષની  પ્રાપ્તિ

 

વસ્તુનિર્દેશ

          

           ચૈત્ય પુરુષની ગૂઢ ગુહાને શોધતી સાવિત્રી આગળ ચાલી. પ્રથમ તો પ્રભુની એક રાત્રિમાં એનો પ્રવેશ થયો. જ્યોતિ બુઝાઈ ગઈ, શક્તિ શમી ગઈ. મને વિચાર છોડયા , હૃદયે છોડી આશાઓ. એક પ્રકારની નિષ્પાપ અજ્ઞાનતા આરાધનાના ભાવમાં હોય એવું લાગ્યું. સાવિત્રીના શુદ્ધ આત્મા સિવાયનું અને સમર્પિત હૃદયની ઝંખના સિવાયનું સર્વ લોપાઈ ગયું હતું.  સાવિત્રી પોતે નહિવત્ બની ગઈ હતી, કેવળ પ્રભુ જ સર્વ કાંઈ હતો. જગત એક શૂન્યાકાર નરી રાત્રિરૂપ બની ગયું હતું, તેમ છતાં સઘળાંય વિશ્વો કરતાં એમાં વધારે ભર્યું હોય એવું લાગતું હતું. કાળે સંઘરેલા સર્વ કરતાંય વધારે એમાં સંવેદાતું હતું. આ અંધકાર અજ્ઞેયને જાણતો હતો.

             સાવિત્રી આ અઘોર રાત્રિમાં એક છાયામૂર્તિ સમી સરી હતી. નીરવ ને નિરવકાશ બૃહત્તા એના આત્માનું સ્થાનક બની ગઈ.

              એમ કરતાં કરતાં એક પરિવર્તન પાસે દેખાયું. લક્ષ્યની મહસુખદ નિકટતા અનુભવાઈ. ઉષાનું મુખ દેખાયું. આનંદયજ્ઞનો પુરોહિત દિવસ આવ્યો. મર્ત્ય પ્રકાશનો જામો એણે પહેર્યો હતો ને જામલી રંગના ખેસની માફક સ્વર્ગ એની પાછળ ખેંચાઈ આવતું હતું. સૂર્ય એને ભાલે સિંદૂરી તિલક હતો. પવિત્ર પર્વતમાં આવેલી ગૂઢ ગૂહા સાવિત્રીએ ઓળખી કાઢી. એને લાગ્યું કે એ જ એના ચૈત્યાત્માનું ગુપ્ત ગૃહ છે. કો મહાશૈલમાં કોતરી કાઢેલા મંદિરમાં પ્રભુએ જાણે આશ્રય લીધો હોય એવું અનુભવાતું હતું. ગૂઢ પ્રકારની પ્રતીકાત્મક કંડારેલી કલાકૃતિઓની ત્યાં પ્રચુરતા હતી. ઊંઘતો હોય  એવો ઊમરો ઓળંગીને સાવિત્રી અંદર ગઈ ને જોયું તો પોતે મહાન દેવતાઓની મધ્યમાં હતી. પથ્થરમાં તેઓ પ્રાણવંતા બનેલા હતા ને મનુષ્ય આત્મા ઉપર સ્થિર નયને જોઈ રહ્યા હતા. આસપાસની દીવાલો ઉપર મનુષ્યોનાં અને પ્રાણીઓનાં જીવનદૃશ્યો છાયેલાં હતાં ને દેવોનાં જીવનોના

૮૮


ઉદાત્ત અર્થ સાવિત્રીને અવલોકતા હતા. પ્રભુનાં સ્વરૂપોનો ત્યાં વિસ્તાર વાધેલો હતો. અમૃતત્વ પ્રતિ જીવન અને મૃત્યુના પરાવર્તનનું દૃશ્ય ત્યાં આલિખિત થયેલું હતું.

            ત્યાં શ્વસંત મનુષ્યોનો  પદરવ ન 'તો, માત્ર જીવતીજાગતી ચિદાત્માની સમીપતા અનુભવાતી. સઘળાં ભુવનો અને ભુવનોના  ભગવાન ત્યાં હતા, ત્યાંનું એકેએક પ્રતીક એક એક સત્યતા હતું અને જે દિવ્ય સાન્નિધ્યે એને પ્રાણવાન બનાવ્યું હતું તે સાન્નિધ્યને એ ઉપસ્થિત કરતું હતું.

              આ સર્વ સાવિત્રીએ દીઠું, અંદરથી અનુભવ્યું અને અવબોધ્યું. કોઈ વિચારણા દ્વારા નહિ પણ આત્મા દ્વારા આ જ્ઞાન એણે મેળવ્યું. સૂર્ય-ચંદ્ર-અગ્નિનો નહીં એવો પ્રકાશ ત્યાં હતો. એ હતો અંતરમાં રહેલો, અંતરમાં અવલોકતો અને રહસ્યમયતાને એ શબ્દથી થાય તે કરતાંય વધારે આવિષ્કારક  બનાવતો હતો.

               આપણી દૃષ્ટિ અને ઇન્દ્રિયો ભૂલ કરે છે, એક આત્માની દૃષ્ટિ જ સર્વથા સત્ય હોય છે. સાવિત્રી એ ગૂઢ સ્થાનમાં સંચરતી હતી ત્યારે એણે અનુભવ્યું કે પોતે પરમાત્માની પ્રિયતમા છે. ત્યાંના દેવો પ્રભુનાં જ સ્વરૂપો અને દેવીઓ પ્રભુની પ્રિયતમાનાં જ સ્વરૂપો હતાં. પોતે સૌન્દર્યની અને સંમુદાની માતા હતી, બ્રહ્યાના સર્જનાત્મક આશ્લેષમાં રહેલી સરસ્વતી હતી, સર્વસમર્થ  શિવશંકરના અંકમાં વિરાજમાન વિશ્વશક્તિ હતી, એ જગત્પિતા અને પોતે જગન્માતા હતી, એ કૃષ્ણ અને પોતે રાધા હતી, પોતે ભક્ત હતી અને ભક્તના ભગવાન હતા. 

                 છેલ્લા ખંડમાં સુવર્ણ સિંહાસને વિરાજમાન એક અદભુતસ્વરૂપિણીનાં દર્શન થયાં. એનું વર્ણન કોઈ પણ દૃષ્ટિની શક્તિ બહારનું હતું. માત્ર લાગતું 'તું કે એ વિશ્વસમસ્તનો ઉત્સ છે. પોતે જેનું એક અટતું ઓજ હતી એવી એ મહાશક્તિ હતી. અદૃશ્ય સૌન્દર્ય, વિશ્વની કામનાનું લક્ષ્ય, જ્યાંથી જ્ઞાનકિરણ પ્રસરે છે તે મહાસૂર્ય, જેના વિના જીવન સંભવતું નથી એવો અપૂર્વ મહિમા, આ સૌ એ એક હતી. ત્યાંથી આગળ જતાં સર્વ કાંઈ નિરંજન નિરાકાર અને નીરવ બ્રહ્યસ્વરૂપ બની જતું હતું.

                   તે પછી એક બોગદામાં થઈ એ બહાર આવી. ત્યાં એક અમર સૂર્ય પ્રકાશતો હતો, ને જવાલા તથા જ્યોતિનું બનેલું એક ગૃહ હતું. દ્વારરહિત જીવંત અગ્નિની દીવાલ સાવિત્રીએ પાર કરી ને ત્યાં એને પોતાના ગુપ્ત આત્માનો ભેટો થયો.

                    ક્ષણભંગુરતામાં એક અમર સત્તા ત્યાં ઊભી હતી. એની આંખોમાં શાંત સુખમયતા હતી, એમાં થઈને અનંતતા અંતવંત વસ્તુઓને અવલોકતી હતી, પ્રભુની સુખાન્તિકામાં એ એક પાઠ ભજવતી હતી. અહીં એ પરમાત્માનું પ્રતિનિધિત્વ કરતી હતી, વિશ્વને સાથ આપતી 'તી, કાળ અને ઘટનાઓ સાથે કંદુકક્રીડા કરતી હતી. સ્મિતપૂર્વક સૃષ્ટિનાં સુખદુઃખને એ આવકારી લેતી, અજ્ઞાનના વાઘાઓમાં નૃત્યવિહાર કરતી સત્યસ્વરૂપ છે એવી સર્વ વસ્તુઓને એ જોતી,  સમર્થ આત્મશાંતિપૂર્વક એ કાળનાં વર્ષોને વટાવતી અમૃતત્વ પ્રત્યે ગતિ કરી રહી હતી.

૮૯


          પરંતુ માની મમતાથી પ્રેરાઈ એણે અંગુષ્ઠપ્રમાણ પોતાનો એક અંશ હૃદયના ઊંડાણમાં રાખ્યો હતો. એ અંશ પોતાનો પરમાનંદ વિસારે પાડી પીડાઓની સામે થાય છે, ઘાવ ઝીલે છે, તારાઓના પરિશ્રમ વચ્ચે પરિશ્રમ સેવે છે. દ્વંદ્વોના આઘાતો ને પ્રત્યાઘાતો વહોરી લે છે અને તે છતાંય પોતે અક્ષત રહે છે, અમર હોય છે, ને માનવ રંગમંચ ઉપરના અભિનેતાને આધાર આપે છે.

           આના દ્વારા એ દૈવી સત્તા પોતાનો મહિમા અને પોતાનું મહૌજ આપણને આપે છે, અને મથામણમાં પડેલા લોકનો બોજો આપણી પાસે ઉપાડાવે છે. દિવ્યતાના આ માનવ અંશમાં પોતાના કાળગત આત્માની મહત્તાને એ પ્રતિષ્ઠાપિત કરે છે, માનવ જીવને પ્રકાશથી પ્રકાશમાં ને બળથી બળમાં ઉદ્ધારીને લઇ જાય છે, કે જેથી અંતે એ સ્વર્ગીય શિખરો પર સમ્રાટ બનીને વિરાજમાન થાય.

            આ જવાલામય ને પ્રકાશમય ધામમાં સાવિત્રી ને સાવિત્રીનો ચૈત્ય આત્મા મળ્યાં.માનવ જીવે પોતાના સત્ય આત્મસ્વરૂપને પિછાની લીધું. પોતે ગુપ્ત આત્મા અને એનો માનવ અંશ, શાંત અમરાત્મા અને મથંત  જીવ છે જાણી લીધું, અને પછી તો એક ચમત્કારી રૂપાંતરની ઝડપે ઉભય એકબીજા તરફ ઘસ્યાં અને એકરૂપ બની ગયાં.

              એકવાર ફરી સાવિત્રી માનુષી બની ગઈ. આંતર દૃષ્ટિના સૂર્યના પડદા પાછળ સૂક્ષ્મ લોકે ઊંડે ઓસરી ગયો. પરંતુ હવે સાવિત્રીની અધખૂલી હૃદય-કમળની કળી પ્રફુલ્લ બની ગઈ. એનો નિગૂઢ ચૈત્યાત્મા એક મૂર્ત્ત સ્વરૂપમાં આવિર્ભાવ પામી પ્રકાશતો હતો. આત્મા અને મન વચ્ચેની અંતરાય બનેલી દીવાલ રહી ન 'તી. ગહન હૃદયધામમાં વિરાજમાન એનો આત્મા ભુવાનોની મહામાતાનું આવાહન કરતો હતો. પરમોચ્ચ પ્રકાશના એક ઝબકારાની સાથે આદિશક્તિની ચિન્મયી મૂર્ત્તિ ઊતરી આવી અને એણે સાવિત્રીના હૃદયને પોતાનું પવિત્ર મંદિર બનાવી દીધું. પરંતુ જયારે એના ચરણ હ્રત્પદ્મને સ્પર્શ્યા ત્યારે અચેત, અનાત્મ અને અમના રાત્રિમાંથી એક જગત હલમલ થઈ ઊઠયું, એક જવાલામયી સર્પાકાર શક્તિ નિદ્રામાંથી જાગી ઊઠી અને તોફાન મચાવતી ઉપર ચઢી. એના આગ્નેય ચુંબને સાવિત્રીનાં ચેતનાકેન્દ્રોને જાગ્રત કર્યાં. મહસ અને મહામુદાથી  ઊભરાતાં એ ઉલ્લસવા ને હસવા લાગ્યાં. આરોહેલી કુંડલિની શક્તિએ શિરના શિખર પર શાશ્વતના મહાવકાશ સાથે સંયોગ સાધ્યો. સહસ્રદલથી માંડીને તે મૂલાધાર પર્યંત એણે ગૂઢ સ્રોત્રને એકત્ર કર્યો, અને આપણાં દેર્શનાતીત શિખરોને અદૃષ્ટ ગૂઢ ઊંડાણો સાથે સંયોજીત કરી દીધાં.

           ઊર્ધ્વે આધશક્તિ બિરાજેલી હતી--શસ્ત્રાસ્ત્રથી સજ્જ, અદભુત ને અલૌકિક શક્તિસંપન્ના. એને ચરણે શાંત ને સમર્થ પવિત્ર સિંહાસન સત્ત્વ પ્રણિપાતે પડેલું હતું, ને એની આંખોમાં અગ્નિ તગતગી રહ્યો હતો. આ દર્શને બધું જ દિવ્ય રૂપાંતર પામી ગયું. અજ્ઞાનના આંતરાઓ તૂટી પડયા, સત્ત્વનો એકેએક ભાગ

૯૦


આનંદનો ઉત્કંપ્ અનુભવવા લાગ્યો. દેવતાઓ પ્રકટ થયા, પ્રત્યેક ઘટનામાં મહામાતાનો હસ્ત દૃષ્ટિગોચર થયો.

          વિચારતા મનની પ્રવૃત્તિ ચાલી રહી છે તે મસ્તિષ્કના મહાક્મલમાં, જ્યાંથી દૃષ્ટિનાં ને સંકલ્પનાં બાણ વછૂટે છે તે ભવાં વચ્ચેના આજ્ઞાચક્રમાં, વાણી ને અભિવ્યકિત  કરતું મન જ્યાંથી ઉદય પામે છે તે કંઠના વિશુદ્ધ ચક્રમાં સુખમય સમુદ્વાર આવ્યો ને ત્યાં નવું કાર્ય આરંભાયું. અમર વિચારો ઉદભવ્યા, પ્રત્યેક વસ્તુએ પોતામાં રહેલો પ્રભુનો ગૂઢ ઉદ્દેશ પ્રકટ કરવા માંડયો, જીવનના અંધ અને અંધાધૂંધી ભરેલા રાજ્ય ઉપર સંકલ્પનો પ્રશાંત પ્રભાવ પ્રવર્તવા લાગ્યો. પ્રત્યેક કાર્ય પ્રભુનું કાર્ય બની ગયું.

            હૃદયકમળમાં પ્રેમે પવિત્ર વિવાહગાન આરંભ્યાં, પ્રાણ તથા પિંડ પરમાનંદનાં પવિત્ર દર્પણો બની ગયાં, બધા જ ભાવો ભગવાનને આત્મનિવેદન કરવા લાગ્યા.

             નાભીકમળના પ્રભાવી પ્રસરણમાં ગર્વિષ્ઠ મહત્ત્વાકાંક્ષાઓ અને જબરજસ્ત લાલસાઓમાં વિનીતતા આવી ગઈ અને ઉદાત્ત અને શાંત સત્તાનું શસ્ર બનીને પૃથ્વીલોકમાં એ પ્રભુને કાર્યે પ્રવૃત્ત થઈ.

            સ્વાધિષ્ઠાનના સાંકડા ચક્રસ્થાનમાં ત્યાંની બાલિશ ને વામણી વાસનાઓની ક્રીડાએ કાળમાં ક્ષુદ્ર દેવતાઓની ધિંગામસ્તીનું રૂપ લીધું.

             કુંડલિની જ્યાં પોઢેલી હતી ત્યાં જડદ્રવ્યની જંગી શક્તિઓ ઉપર પ્રભુત્વ પ્રકટયું અને જીવનના અલ્પ વિસ્તારમાં એમનો અનલ્પ ઉપયોગ પ્રયોજાયો, ને સ્વર્લોકના ઊતરી આવતા મહાસામર્થ્થને માટે સુદૃઢ ભૂમિકા તૈયાર થઈ ગઈ.

             આ સર્વની પાછળ આવેલો સાવિત્રીનો સર્વોપરી ચૈત્યાત્મા અમલ ચલાવતો હતો. અજ્ઞાનના આવરણમાંથી છૂટેલો એ દેવોનો મિત્ર બન્યો હતો, વિશ્વનાં સતત્વોનો સાથી ને શક્તિઓનો સહચર બન્યો હતો. જગન્માતાના હાથમાં સમર્પાઈ ગયેલો એ માનવતાનો મહામેળ ઊભો કરતો હતો.

              આપણા અજ્ઞાન જીવનનો સત્તાધીશ સાક્ષી વ્યક્તિની દૃષ્ટિનો ને પ્રકૃતિના પાઠનો સ્વીકાર કરે છે, પરંતુ એકવાર ગૂઢનાં દ્વારો ઊઘડી જાય છે ત્યારે પડદા પુઠળનો પ્રભુ પુરઃસર બની પગલાં ભરે છે. અજ્ઞાનમાં જ્ઞાન ઊતરી આવે છે, દુઃખદાયક ગ્રંથિ પોતાની પકડને શિથિલ બનાવે છે, મન આપણું સ્વાધીન શસ્ત્ર બની જાય છે, ને પ્રાણ ચૈત્યાત્માનાં રંગઢંગ અને રૂપ ધારણ કરે છે. પછી તો આપણી અંદરનું બધું જ પરમાનંદ પ્રત્યે પ્રમુદિત પ્રવૃદ્ધિ પામે છે, પ્રકૃતિને સ્થાને પ્રભુની પરાશક્તિ પ્રવર્તે છે, આપણાં મર્ત્ય અંગોમાં અમરોનો આનંદ અને ઓજ સ્રોત્ર:સ્વરૂપે વહેવા માંડે છે, આપણા શબ્દ પરમસત્યની સરસ્વતી બની જાય છે, આપણો પ્રત્યેક વિચાર પ્રકાશના તરંગનું રૂપ લે છે, ને પાપ-પુણ્ય વિદાય થઈ જાય છે, આપણાં કાર્યો પ્રભુના સહજ શુભ-શ્રેયની સાથે સુમેળ સાધે છે ને સર્વોત્તમની સેવામાં પ્રયોજાય છે. અસુંદર, અશુભ અને અસત્ય સઘળા

૯૧


ભાવો અવચેતનના અંધારામાં જઈને શરમના માર્યા પોતાનું અમંગળ મુખ છુપાવી દે છે ને મન જયઘોષ ગજવે છે :

        " ઓ મારા આત્મા !  આપણે સ્વર્ગ સરજ્યું છે, અહીં અંતરમાં પ્રભુના રાજ્યને પ્રાપ્ત કર્યું છે, અવકાશને શાંતિના સાગરમાં ફેરવી નાંખ્યો છે, દેહને પરમાનંદની રાજધાની બનાવ્યો છે. જીવન અને મૃત્યુ વચ્ચેનો અલ્પ ગાળો આખરે પૂર્ણતાની આરંભની અવસ્થા બની ગયો છે. લોષ્ટ-કાષ્ઠમાંથી મહાદેવોનું મંદિર ઊભું કરાયું છે. વિશ્વની વાત જવા દો, તો પણ એક માણસની પૂર્ણતાય  જગતનું પરિત્રાણ કરવા સમર્થ છે. સ્વર્ગોની સમીપતા સધાઈ છે, પૃથ્વીનો ને ધુ લોકનો પ્રાથમિક વિવાહ થઈ ગયો છે, સત્ય અને જીવન વચ્ચે ઊંડો ધર્મસંબંધ સ્થાપાયો છે, માનવ કાળમાં પ્રભુની છાવણી નંખાઈ છે."

 

 

થઈ પસાર એ આગે ગુહા ગૂઢ ઢૂંઢતી ચૈત્ય-આત્માની.

પ્હેલાં તો પગલાં એણે માંડયાં એક પ્રભુની રાત્રિની મહીં.

કરે છે સાહ્ય જે જ્યોતિ શ્રમે મંડેલ લોકને

તે બુઝાઈ ગઈ બધી,

મથે ને ઠોકરો ખાય આપણી જિંદગીમહીં

તે એ શક્તિ જ્યોતિ કેરી શમી ગઈ;

આ અક્ષમ મને એના વિચારોને કર્યા જતા,

મથતે હૃદયે એની છોડી દીધી આશાઓ વ્યર્થ જે જતી.

બેકાર સૌ બન્યું જ્ઞાન, ભાવનાનાં રૂપો બેકાર સૌ બન્યાં,

પ્રજ્ઞાએ ભયને ભાવે અવગુંઠયું શિર નીચું કરી દઈ

વિચાર-વાણીને માટે સત્ય એક સંવેદી અતિશે બૃહત્ ,

અરૂપ ને અનિર્વાચ્ચ, અવિકારી, એકરૂપ હમેશનું,

જેમ કો જન આરાધે અરૂપ પરમાત્મને

તેમ નિર્દોષ અજ્ઞાન પુણ્યપાવનતા ભર્યું

અદૃષ્ટ જ્યોતિને આરાધતું હતું,

જેની પર કરી દાવો શકતી એ હતી નહીં

કે પોતાની બનાવી એ જેહને શકતી નહીં.

ખાલીપણાતણી એક સરલા શુચિતામહીં

પડયું ઘૂંટણિયે એનું મન અજ્ઞેયસંમુખે.

વિલોપન હતું પામ્યું એના નગ્ન સ્વરૂપવણનું બધું,

એના આધીન કીધેલા હૈયા કેરી પ્રણતા ઝંખના વિના

કશુંયે ન રહ્યું હતું.

૯૨


 

હતું ન બળ એનામાં કશુંયે, ના ઓજનું અભિમાન કો;

ઊર્ધ્વ પ્રજવલતી ઈચ્છા એની બેસી ગઈ હતી 

શરમાઈ, પૃથક્ સત્-તાતણું મિથ્થાભિમાન જે,

અધ્યાત્મિક મહત્તાની આશા ભાગી ગઈ હતી,

મોક્ષ એ માગતી ન્હોતી, સ્વર્ગનોય કિરીટ ના :

અત્યંત ગૌરવે પૂર્ણ લાગતી 'તી હવે એને મનુષ્યતા.

એની જાત હતી ના કૈં, પ્રભુ માત્ર હતો બધું,

છતાંય પ્રભુને પોતે જાણતી ના,

કિંતુ છે એ એટલું જાણતી હતી.

પવિત્ર એક અંધાર વ્યાપ્ત  ભીતરમાં હવે,

એક ગહન ને મોટા નગ્ન અંધકારરૂપ હતું જગત્

સર્વે ભર્યાં ભર્યાં વિશ્વોથકી જ્યાદા શૂન્ય આ ધારતું હતું,

કાળે જે સૌ વહેલું છે તેથી જ્યાદા રિક્ત આ વેદતું હતું,

મૂક અસીમ ભાવે આ અંધકાર

હતો અજ્ઞાતનું જ્ઞાન ધરાવતો.

પણ સર્વ હતું રૂપહીન, શબ્દહીન, અંતવિહીન ત્યાં.

જેમ કો છાય છાયાએ છાયેલા દૃશ્યમાં ચલે,

ક્ષુદ્ર કો શૂન્ય કો ઘોરતર શૂન્યમહીં થઈ,

ખાલી શી રૂપરેખામાં વ્યક્તિરૂપ વિભાવરી

વ્યક્તિત્વવણની ઊંડી અગાધ કો રાત્રિને હોય લંઘતી

તેમ નીરવ સાવિત્રી ચાલતી 'તી રિક્ત કેવલરૂપિણી.

અનંત કાળમાં પામ્યો આત્મા એનો વિશાળા એક અંતને;

એના આત્માતણું સ્થાન બની એક અનાકાશ અનંતતા.

પરિવર્તન અંતે ત્યાં આવ્યું પાસે, ભંગ શૂન્યમહીં પડયો;

અંતરે લહરી એક સ્ફુરી, વિશ્વ વિલોડિત થયું હતું;

એકવાર ફરી એનો અંતરાત્મા આકાશ એહનું બન્યો.

લહેવાતું હતું લક્ષ્ય-સામીપ્ય સંમુદાભર્યું;

પવિત્ર ગિરિને ચૂમી લેવા સ્વર્ગ લળ્યું તળે,

ઉત્કટ અનુરાગે ને આનંદે કંપતી હવા.

ગુલાબ દીપ્તિ કેરું કો એક સ્વપ્નાંતણા વૃક્ષતણી પરે,

એવું મુખ ઉષા કેરું ચંદ્રચારુ સંધ્યામાંથી સમુદ્ ભવ્યું.

એના જગતના પૂજા કરતા મૌનની મહીં

આવ્યો દિવસ આનંદ-યજ્ઞ કેરો  પુરોહિત;

જામારૂપે હતી એણે એક મર્ત્ય પ્રભા ધરી,

૯૩


 

જામેલી ખેસની જેમ સ્વર્ગને એ ખેંચી પૂઠળ લાવતો.

ને રાતા રવિનું એણે હતું સિંદૂરિયા ધર્યું

ચિહન જાતિ જણાવતું.

જાણે કે સ્મૃત કો જૂનું સ્વપ્ન સાચું પડયું ન હો,

તેમ પેગંબરી એના મનમાંહે

પ્રીછી એણે અવિનાશી પ્રભા એ આસમાનની,

સુખિયા એ હવા કેરું પ્રીછયું  માધુર્ય લોલ કૈં, 

મનની દૃષ્ટિથી ઢાંકી અને ઢાંકી જિંદગીના પ્રવેશથી

પવિત્ર ગિરિની પ્રીછી ગુહા ગૂઢ

ને એને ઓળખી લીધું વાસસ્થાન નિગૂઢ નિજ ચૈત્યનું.

જાણે કે દેવતાઓના ઊંડાણો કો આવેલા ગૂઢ ગહવરે,

અપવિત્ર કરી દેતા સંસ્પર્શથી વિચારના

ભાગેલા સત્યનું છેલછેલ્લું આશ્રયસ્થાન એ,

જાણે કે શૈલ કોરીને બનાવાયેલ મંદિરે

સંતાડીને એકાંતે સચવાયલું,

પ્રભુનું આશ્રયસ્થાન ભજનારી અજ્ઞાન જગજાતથી,

અંતઃસંવેદનાથીયે જિંદગીની એ નિવૃત્ત રહ્યું હતું

જટિલા કામનાથીયે હૈયા કેરી પછવાડે હઠી જઈ.

અદભુતા ચિંતને લીન સાંધ્યજ્યોતિ નેત્ર સંમુખ ત્યાં થઈ,

પવિત્ર સ્થિરતા ધારી રહી 'તી એ નીરવ અવકાશને.

વિસ્મિત કરતો એક ધૂંધકાર મોટાં શૈલ-દ્વારો આચ્છાદતો હતો,

હતાં જે કોતરાયેલાં દ્રવ્ય કેરા લયના  સ્થૂલ પ્રસ્તરે.

બારસાખ પરે હેમ-ભુજંગો બે વીંટળાઈ વળ્યા હતા,

એને આચ્છાદતા શુદ્ધ ને ભીષણ નિજૈાજથી,

જોતા 'તા બ્હાર એ પ્રજ્ઞાતણાં ઊંડાં ને ઉદ્ ભાસિત નેત્રથી.

વિશાળી વિજયી પાંખોવડે એને એક ગરુડ ઢાંકતો.

અર્ચિઓ આત્મમાં લીન દિવાસ્વપ્નતણી સુસ્થિરતા ભરી

એવાં કપોત બેઠાં'તાં ગીચોગીચ

ધ્યાનમગ્ન ધોરાઓ પર ભૂખરા,

અંગવિન્યાસ કંડાર્યા હોય જાણે શ્વેતવક્ષાળ શાંતિના.

ઊમરાની કરી પાર નિદ્રા અંદર એ ગઈ

ને જોયું તો હતી પોતે મોટી મોટી દેવોની મૂર્ત્તિઓ વચે,

સચૈતન્યા શિલામાં ને જીવતી શ્વાસના વિના,

સ્થિર દૃષ્ટે વિલોકંતી આત્માને માનવીતણા,

૯૪


 

વિશ્વાત્માનાં સ્વરૂપો એ હતાં કાર્યવિધાયક,

અવિકારી શક્તિ કેરાં પ્રતીકો વિશ્વમાંહ્યનાં.

અર્થસૂચક અકારો વડે ભીંતો છવાયલી

ત્યાંથી એની પ્રતિ જોઈ રહ્યાં હતાં

દૃશ્યો માનવ કેરી ને પશુની જિંદગીતણાં

આ અસંખ્યાત વિશ્વોની શક્તિ ને અનિવાર્યતા

અને વદન સતત્વોનાં ને વિસ્તારો વિશ્વના અવકાશના,

આરોહી ઊર્ધ્વ જાનારી ભૂમિકાઓતણો સંદેશ પાવન

અને ખૂટે નહીં એવો સંક્ષેપે સંભળાવતાં.

વિસ્તારો એમના સીમા વિનાના તે

ઈશારાએ  સૂચવંત અનંતતા,

પરમાત્માતણું તેઓ વિસ્તારણ બન્યા હતા,

ને ધીરભાવથીતેઓ સત્કાર સર્વનો કરી

હતા વસાવતા રૂપપ્રતીકો પ્રભુનાં અને

એનાં નાનાં તથા મોટાં કાર્યો મહૌજથી ભર્યાં,

ભાવાનુરાગ એનો ને એનાં જન્મ તથા જીવન-મૃત્યુને,

પ્રત્યાવર્તન એનું જે અમૃતત્વે લઈ જતું.

સ્થાયી શાશ્વતની પ્રત્યે છે સમારોહ એમનો,

એકસમાન સર્વત્ર શુદ્ધ અસ્તિત્વની પ્રતિ,

કેવલા ચેતના પ્રત્યે, સંપૂર્ણા શક્તિની પ્રતિ,

અકલ્પનીય ને રૂપરહિતા સંમુદા પ્રતિ,

પ્રમોદ પ્રતિ કાલસ્થ,

સત્-તાની ત્રિપુટી કેરી કાલાતીત રહસ્યમયતા પ્રતિ,

ત્રિપુટી જે

છે સર્વમય ને એક છતાં આપ જ આપના

વિના અન્ય કશુંય ના.

શ્વાસ લેતા મનુષ્યોનું પગલું ન હતું તહીં,

ન 'તો નાદ, હતું માત્ર ચૈત્યાત્માનું સાન્નિધ્ય જીવમાન ત્યાં.

છતાંયે ભુવનો સર્વ અને પોતે પ્રભુયે ત્યાં વિરાજતા,

કેમ કે સત્યતારૂપ હતું પ્રતિ પ્રતીક ત્યાં,

એ એને પ્રાણ દેનારું સાન્નિધ્ય લાગતું હતું.

સાવિત્રીએ આ સમસ્ત જોયું, જાણ્યું અને ભીતરમાં લહ્યું

મનના કો વિચારે ના, પરંતુ નિજ આત્મથી.

૯૫


 

પ્રકાશ નવ જન્મેલો સૂર્ય-ચંદ્ર-કૂશાનુથી,,

પ્રકાશ જે રહેતો 'તો અંતરે ને જોતો અંતરમાં હતો,

તેણે દૃષ્ટિતણી રેડી અંતરંગીય સ્પષ્ટતા,

શબ્દ કરી શકે તેના કરતાંયે વધારે પ્રકટાવતું

કરી દીધું રહસ્યને :

આપણી દૃષ્ટિ ને જ્ઞાન ઇન્દ્રિયોનું

ભ્રમણામાં નાખનારી દૃષ્ટિ ને સ્પર્શ આપતાં,

અને દર્શન આત્માનું એકમાત્ર સાચું કેવળ સર્વથા.

એ ગૂઢ સ્થાનમાં જયારે આ પ્રકારે એ પસાર થતી હતી

ઓરડાથી ઓરડામાં, અને કોરી કાઢેલાં શૈલમાંહ્યથી

દ્વારથી અન્ય દ્વારમાં,

ત્યારે સંવેદતી એ કે

પોતે જે સૌ હતી જોતી તેની સાથે એકરૂપ બની હતી.

એના અંતરમાં જાગી ઊઠી એક સીલબંધ તદાત્મતા;

પ્રેયસી પરમાત્માની છે પોતે એ જ્ઞાન એને થઈ ગયું :

આ દેવો ને દેવતાઓ હતાં માત્ર પ્રભુ ને પ્રભુપ્રેયસી:

સૌન્દર્ય ને મુદા કેરી હતી માતા સ્વમેવ,

વિરાટ સર્જનાશ્લેષે બ્રહ્યા કેરા હતી પોતે સરસ્વતી,

વિશ્વશક્તિ વિરાજંતી અંકે સર્વસમર્થ શિવ શંભુના,--

પિતાગુરુ અને માતા છે જે સૌ જીવનોતણાં

અને જે જોડિયા દૃષ્ટે વિરચેલાં ભુવનો અવલોકતાં,

હતી કૃષ્ણ અને રાધા

સદા માટે સંમુદાના સમાલિંગનમાં રહ્યાં,

આરાધનાર આરાધ્ય લુપ્તસ્વત્વ એકસ્વરૂપ ધારતાં.

છેલ્લા ખંડમહીં એક બેઠું 'તું હેમ-આસને

જેનું સ્વરૂપ ના એકે દર્શને જાય વર્ણવ્યું,

લહેવાતું હતું માત્ર અપ્રાપ્ય મૂળ વિશ્વનું,

પથ-ભૂલી હતી પોતે શક્તિ જેની તે મહાબળ એ હતું,

હતું અદૃશ્ય સૌન્દર્ય, હતું લક્ષ્ય વિશ્વની કામનાતણું,

સઘળું જ્ઞાન છે જેનું રશ્મિ એક એવો સૂરજ એ હતું,

હતું એ મહિમા એક સંભવે ના જેના વગર જિંદગી.

ત્યાંથી વિદાય લેતું 'તું સર્વ નીરવ આત્મમાં,

ને બની સઘળું જાતું નિરાકાર, શુદ્ધ, સાવ અનાવૃત.

ત્યાંથી એ નીકળી બ્હાર

૯૬


 

બોગદામાં થઈ છેલ્લે શૈલી ખોદી કઢાયલા,

ને આવી બ્હાર જ્યાં સૂર્ય હતો અમર રાજતો.

જવાલામય અને જ્યોતિર્મય એક નિવાસસ્થાન ત્યાં હતું,

ને દ્વારા વણની એક

ભીંતી એણે કરી પાર પ્રાણવાન હુતાશની,

ત્યાં ઓચિંતો થયો એને ભેટો ગુપ્ત નિજ ચૈત્ય-સ્વરૂપનો.

 

ક્ષણભંગુરતા મધ્યે હતી ઊભું સત્ત્વ ઓપતું,

ક્ષણજીવી વસ્તુઓ શું ખેલતું 'તું અમર્ત્ય એ,

દયા ને દુઃખ ના જેને છે સમર્થ મિટાવવા

તે શાંત સુખનાં એનાં વિશાળાં લોચનોથકી

અનંતતા

સાંત રૂપો પરે દૃષ્ટિ નિજ ફેરવતી હતી :

નીરવ પગલાં હોરાઓનાં એ અવલોકતી

ને સનાતનની લીલા કેરાં ચાલી રહેલાં દૃશ્ય દેખતી,

વરણી કરતી એની ઈચ્છા કેરી રહસ્યમયતામહીં

દિવ્ય સુખાન્તિકી માંહે ભાગ લેનાર એ હતી,

હતી પ્રતિનિધિ સંજ્ઞાવતી એ પરમાત્મની,

આપણી માનવી જાતિમહીં પ્રત્યાયુક્ત એ પ્રભુની હતી,

વયસ્યા વિશ્વની, રશ્મિ પરાત્પરતણું હતી,

મર્ત્ય દેહતણે ગેહે આવી 'તી એ

કાળને ઘટના સાથે ખેલવા ખેલ કંદુકે.

આનંદ જગમાંહે જે તે અહીંયાં એની પ્રવૃત્તિ સત્તમા,

લીલાનો ભાવનોત્સાહ  એનાં નેત્ર ઉજાળતો :

પૃથ્વીના હર્ષ ને શોક સત્કારાતા એના ઓષ્ઠતણે  સ્મિતે,

સુખ ને દુઃખને સાટે હાસ્ય એ આપતી હતી.

વસ્તુઓ સર્વ જોતી એ સત્ય કેરા છદ્મનાટકરૂપમાં

વાઘા અજ્ઞાનના જેમાં છળવેશ બન્યા હતા,

વટાવી કાળનાં વર્ષો જતી જે અમૃત પ્રતિ :

સૌની સામે થવા શકત હતી એહ સમર્થ સ્વાત્મશાંતિથી.

પરંતુ મન કેરો ને જિંદગીનો જાણે છે એ પરિશ્રમ

તેથી માની જેમ એને લાગણી થાય છે અને

ભાગીદાર બને છે એ જીવનોમાં સ્વબાળનાં,

પ્રકટાવે એક નાનો અંશ નિજ સ્વરૂપનો,

૯૭


 

જે જરાય નથી મોટો અંગૂઠાથી મનુષ્યના

ને છુપાવી રખાયો છે હૈયા કેરા પ્રદેશમાં

દુઃખના સામના માટે અને ભૂલી જવાને પરમા મુદા,

વ્યથામાં ભાગ લેવા ને સહેવા ઘા ધરાતણા,

ને તારાઓતણા મોટા શ્રમ વચ્ચે પરિશ્રમ નિષેવવા.

આ આપણીમહીં હાસ્ય કરતો, અશ્રુ સારતો,

સહી પ્રહાર લેતો ને વિજયોલ્લાસ માણતો,

અને તાજ માટે સંઘર્ષ સેવતો,

બની જઈ તદાકાર મન સાથ ને દેહ-પ્રાણ સાથ એ

ચાબખા ભાગ્યના ખાઈ લોહીલુહાણ થાય છે,

ચઢે ક્રોસ પરે, ને તે છતાં અવ્રણ એ રહે

આત્મા અમરતાતણો

માનવીને રંગમંચે અભિનેતાને આલંબન આપતો.

આપણે કાજ એ આના દ્વારા પાઠવતી રહે

દુર્ગતિના મહાગર્તોમહીં થઈ

શૃંગોએ પ્રાજ્ઞતા કેરાં ધકેલી લઈ જાય એ;

બળ આપણને આપે કરવાને આપણાં કર્મ નિત્યનાં,

સહાનુભૂતિ આપે એ બીજાંઓના દુઃખે ભાગ પડાવતી

અને સ્વજાતિને સાહ્ય આપવાને

આપે છે આપણામાં રહ્યું છે બલ અલ્પ તે;

આપણે કરવાનું છે આપણા ભાગનું કાર્ય જગત્ તણું,

નાના શા માનવાકારે કરવાનો છે પૂરો પાઠ આપણો,

ખભે ઉઠાવવાનું છે પછાડા મારતું જગત્ .

છે આપણીમહીંનું આ દેવરૂપ નાનું શું ને વિરૂપિત;

માનવી અંશમાં આ દિવ્યતાતણા

કાલવાસી ચિદાત્માના મહિમાની કરે એ પધરામણી

જ્યોતિથી જ્યોતિમાં ઓજથકી ઓજે ઉદ્ધારીને લઈ જવા,

કે અંતે સ્વર્ગને શૃંગે મહારાજા બનીને થાય એ ખડો.

દેહે દુર્બલ એ તોયે હૈયે એને છે અજય્ય મહાબલ,

ચઢે એ ઠોકરો ખાતો

ઊંચે ધારી રખાયેલો એક અદૃશ્ય હસ્તથી,

છે એ મહાશ્રમે મંડયો આત્મા મર્ત્ય સ્વરૂપમાં.

અહીં આ અર્ચિ  કેરા ને જ્યોતિ કેરા નિકેતને

૯૮


 

થયું મિલન સાવિત્રી કેરું ને ચૈત્ય આત્મનું;

એમણે એકબીજાની પર દૃષ્ટિ કરી અને

છે પોતે, કોણ તે પામી ગયાં તહીં,

દેવતા ગુપ્ત રે'નારો ને એનો અંશ માનવી,

પ્રશાંત અમરાત્મા ને જીવ સંઘર્ષ સેવતો.

તે પછી ચમત્કારી ને વેગીલા સ્વરૂપાંતર સાથ એ

અન્યોન્યમાં ધસી પેઠાં, એકરૂપ બની ગયાં.

 

એકવાર ફરી પાછી સાવિત્રી માનવી બની

માટી ઉપર પૃથ્વીની મર્મરંત નિશામહીં

ઝાપટાંના ઝપાટાઓ ઝીલતાં જંગલોમહીં

ગામઠી ઝૂંપડીમાંહે બેઠેલી ધ્યાનને લયે:

આંતર દૃષ્ટિના સૂર્યપટ પૂઠે

પેલું સૂક્ષ્મ જગત્ ઊંડે અંતરે ઊતરી ગયું.

હવે પરંતુ હૈયાની એની અર્ધ-ઊઘડી પદ્મની કળી

પ્રફુલ્લિત થઈ 'તી ને

હતી ખુલ્લી ખડી પૃથ્વીલોકના રશ્મિની પ્રતિ;

સાવિત્રીનો ગુપ્ત આત્મા પ્રકટીને પ્રતિમામાં પ્રકાશતો.

ચૈત્ય ને મનને છુટા પાડતી ભીંત ના હતી,

હતી નિગૂઢ ના વાડ જિંદગીના દાવાઓથી બચાવતી.

આત્મા એનો હતો બેઠો નિજ ઊંડા અંબુજાવાસની મહીં

સંગેમરમરના જાણે આસનોપરિ ધ્યાનના,

મહાબલિષ્ઠ માતાને બ્રહ્યાંડોની બુલાવતો

કે આવી ને એ બનાવી દે નિજ ધામ પૃથ્વીના આ નિવાસને.

જેમ કો ઝબકારામાં પરમોત્તમ જ્યોતિના

આદિશકિતતણી એક પ્રતિમા પ્રાણથી ભરી,

મુખ એક, રૂપ એક એને હૃદય ઊતર્યું

અને મંદિર પોતાનું ને પવિત્ર ધામ એને બનાવિયું.

કિંતુ પ્રકંપતે પુષ્પે સ્પર્શ જયારે એના ચરણનો થયો

ત્યારે આંતર આકાશ આંદોલાયું

અને બલિષ્ઠ ત્યાં એક હિલચાલ શરૂ થઈ,

જાણે જગત કો એક ઢંઢોળાયું

ને અચિત્ ની ચૈત્યહીન મનોહીન નિશાથકી

એણે પ્રાપ્ત કર્યો હોય નિજાત્મને :

૯૯


 

નિદ્રામાંથી થઈ મુક્ત ઊઠી જવાલામયી એક ભુજંગમી.

ઊભી ગૂંચળાં એનાં ઊર્મિ જેમ ઉછાળતી,

ઊભી ટટાર ને એને માર્ગે જોશભેર તોફાનના સમી

આરોહી, ને જવલંતા સ્વમુખે સ્પર્શ્યાં

સાવિત્રીનાં ચક્રો યૌગિક દેહનાં.

અને આગ્નેય ચૂમીએ નિદ્રભંગ થયો ના હોય તેમનો

તેમ તેઓ પ્રફૂલ્લ્યાં ને હાસ્યપૂર્ણ બની ગયાં

ભારોભાર ભરાઈને જ્યોતિએ ને મહામુખે; 

પછી શાશ્વતના વ્યોમ સાથે યુક્ત થઈ એ મસ્તકોપરિ.

સહસ્રદલમાં શીર્ષે ને મૂલાધારની મહીં

પદ્મમાં જડ દ્રવ્યના,

ગઢે પ્રત્યેક સ્વર્ગીય ને પ્રત્યેક ગ્રંથિમાં પ્રકૃતિતણી

ગૂઢ પ્રવાહને એહ એકત્ર રાખતી હતી,

જે પ્રવાહ વડે યોગ સધાયે છે અદૃશ્ય શિખરોતણો

ને ઊંડાણોતણો દૃષ્ટ ન જે પડે,

બૃહત્ બ્રહ્યાંડની સામે કમજોર રક્ષા જે આપણી બને

તે કિલ્લાઓતણી સેર રાખે એ સચવાયલી,

આત્માભિવ્યકિતની રૂપરેખાઓ આપણી લઈ.

આદ્યશકિતતણી એક હતી મૂર્ત્તિ વિરાજતી

મહાસમર્થ માતાનું હતું ધાર્યું જેણે રૂપ અને મુખ.

હતી સશસ્ત્ર ને ધાર્યાં હતાં એણે નિજાયુધ અને ધ્વજ,

જેનું નિગૂઢ સામર્થ્થ નથી કોઈ જાદૂ શકત વિડંબવા,

બહુરૂપા છતાં એકા બેઠી 'તી એ શકિત રક્ષણકારિણી :

મુદ્રા અભયની એનો ઊંચકેલો કર લંબાવતી હતી,

કોઈ સહજ ને વૈશ્વ બળ કેરા પ્રતીક શું

પ્રાણી પવિત્ર લંબાઈ હતું બેઠું એના ચરણની તળે,

મૌન જવાલા હતી આંખે, હતો પિંડ એનો જીવંત શકિતનો.

સર્વમાં ઉચ્ચ ને દિવ્ય રૂપાંતર થઈ ગયું :

કાળા અચિત્ તણી તોડી દીવાલ અંધ નીરવા,

વર્તુલોનું અવિધાનાં વિલોપન કરી દઈ

શકિતઓ ને દિવ્યતાઓ ફાટી ઊઠી ભભૂકતી;

એકેક અંશ આત્માનો પ્રમુદાએ પ્રકંપતો

જુવાળે સુખના પામી પરાભવ પડયો હતો,

માનો જાતો હતો હાથ પ્રત્યેક ઘટનામહીં,

૧૦૦


 

પ્રત્યેક અંગ ને જીવાણુંમાં એનો સ્પર્શ સંવેદ્તો હતો :

કાર્યવ્યાપારનું ક્ષેત્ર બનાવ્યું છે જેને વિચારતા મને

તે મસ્તિષ્કતણા  પદ્મ કેરા પ્રદેશની મહીં,

ભાવાંની વચગાળાના પદ્મના દુર્ગની મહીં

છોડે છે બાણ બે જ્યાંથી દૃષ્ટિ-સંકલ્પરૂપ એ,

માર્ગમાં કંઠના પદ્મ કેરા જ્યાંથી વાણી પ્રકટ થાય છે

અને જ્યાંથી અભિવ્યક્તિ કરતું મન ઉદભવે,

અને આવેગ હૈયાનો ધાય શબ્દ અને વાસ્તવની પ્રતિ,

સુખપૂર્ણ સમુદ્વાર આવ્યો, આવી નવી કાર્યતણી પ્રથા.

વિચારો અમરાત્માના લેતા સ્થાન આપણી બદ્ધ દૃષ્ટિનું,

લેતા સ્થાન ધરા કેરા મંદ ખ્યાલોનું ને સંવેદનોતણું; 

વધુ ગહન ને દિવ્ય અર્થ સર્વે વસ્તુઓ ધારતી હવે.

પ્રસન્ન સ્વચ્છ સંવાદી સૂરતાએ

એમના સત્યની રૂપરેખાને અંકિતા કરી,

સંતુલા ને તાલમાનો વિશ્વ કેરાં વ્યવસ્થિત કર્યાં ફરી.

પ્રત્યેક રૂપ પોતાનું ગૂઢ રેખાંકનને બતલાવું,

જે માટે એ રચાયું 'તું તે તાત્પર્ય પ્રભુનું પ્રકટાવતું,

ને પ્રભાવ પ્રાણપૂર્ણ

કરતું 'તું છતો એના કલાકાર વિચારનો.

મહાબલિષ્ઠ માતાની વરણીનો બનીને માર્ગ ન્હેરનો

સંકલ્પે અમરાત્માના

પ્રશાંત નિજ કાબુમાં લીધું રાજ્ય આપણી જિંદગીતણું

આંધળું કે સ્ખલનો સાથ ચાલતું;

દારિધ્રોએ અને આવશ્યકતાઓ વડે ભર્યું

પ્રજાસત્તાક સ્વચ્છંદે વર્તતું એકવારનું,

ડામાડોળ મહારાજા મન આગળ એ નમ્યું,

આધીન જિંદગી હાવે વધુ દિવ્ય આજ્ઞાને અનુવર્તતી

ને પ્રત્યેક ક્રિયા એક ક્રિયા પ્રભુતણી બની.

રાજ્યે હૃદયપદ્મના

પ્રેમ પવિત્ર પોતાનું ગાતો ગાન વિવાહનું

પ્રાણ ને દેહને પુણ્ય હર્ષ કેરા અરીસાઓ બનાવતો

ને સમર્પાઈ જાતા તા સ્વયં સર્વ ભાવો પરમદેવને.

નાભિપદ્મતણા ક્ષેત્રે વિશાળા ને રાજોચિત પ્રકારના

એની ગર્વી મહેચ્છાઓ ને ગુર્વી લોભલાલસા

૧૦૧


 

કેળવાઈ બનાવાતી હથિયારો પ્રૌઢ શાંત પ્રભાવનાં

કરવા પ્રભુનું કાર્ય માટી પર ધરાતણી.

નિમ્નના સાંકડા કેન્દ્ર કેરા ભાગોમહીં ક્ષુલ્લકતા ભર્યા

રોજની ખર્વ ઈચ્છાઓ કેરો એનો ખેલ બાલીશ ચાલતો,

પલટો પામતો તેહ મીઠી એક રમતે ઉધમાતિયા

કાળમાં જિંદગી સાથે ક્ષુદ્ર દેવો કેરા કલ્લોલની મહીં.

હતી કુંડલિની સૂતી એકદા જ્યાં ઊંડા સ્થાનની મહીં

જડતત્ત્વતણી જંગી શક્તિઓની પરે પકડ આવતી

વિશાળા ઉપયોગોને માટે નાની જગામાં જિંદગીતણી;

ભૂમિકા સુદૃઢા સજ્જ કરાઈ 'તી

મહૌજાર્થે સ્વર્ગ કેરા ઊતરી આવતા તળે.

સર્વની પૂઠળે સત્તા સાવિત્રીના

અમરાત્મા તણી ચાલી રહી હતી :

સ્વાવગુંઠન અજ્ઞાન કેરું એણે ફગાવ્યું બાજુએ હતું

બનીને મિત્ર દેવોનો વિશ્વ કેરાં સત્ત્વો ને શક્તિઓતણો,

સ્વ માનવી અવસ્થાનો સુસંવાદ એણે દીધો હતો રચી;

ને સાવિત્રી

મહતી વિશ્વની માતા કેરા હસ્તોમહીં સર્વસમર્પિતા

અચિત્ કેરા જગત્ કેરી સમસ્યામાં

માનો સર્વોચ્ચ આદેશમાત્ર એક અધીના અનુવર્તતી.

ચૈત્યાત્મા ગુપ્ત પૂઠેથી ટકાવી સર્વ રાખતો,

છે એ સ્વામી અને સાક્ષી છે એ અજ્ઞ આપણી જિંદગીતણો,

દૃષ્ટિ પુરુષ કેરી એ સ્વીકારે ને ભૂમિકા પ્રકૃતિતણી.

કિંતુ જયારે એકવાર દ્વારો ગુપ્ત ખુલ્લાં કરી નખાય છે

ત્યારે છુપાયલો રાજા બહાર પગલું ભરી

આવે પ્રકૃતિ-મોખરે;

ઊતરી એક આવે છે જ્યોતિ અજ્ઞાનની મહીં,

એની ભારે કષ્ટદાયી ગાંઠ ઢીલી પકડે નિજ થાય છે :

બને છે મન કાબૂમાં આવેલું એક સાધન

અને જીવન ધારે છે રંગ ને રૂપ ચૈત્યનાં.

બધું સુખભર્યું પામે વૃદ્ધિ જ્ઞાન અને આનંદની પ્રતિ.

લેતી પ્રકૃતિનું સ્થાન શક્તિ ભગવતી પછી

ને દેહ-મનનાં કર્યો ધકેલી એ ચલાવતી;

આવેગી આપણી આશો ને સ્વપ્નાંની બનેલી એહ સ્વામિની,

૧૦૨


 

આપણાં ચિંતનો કેરી ને સ્વપ્નાંની

વહાલી એ સર્વસત્તાક શાશિકા,

વહી આવે આપણામાં નિજ ઓજ નિઃસીમ સાથમાં લઈ,

પ્રહર્ષણ અને શકિત

અમૃતાત્માતણી મર્ત્ય અંગોમાં એ  પ્રવેશતી.

એક નિયમ સૌન્દર્ય કેરો આંતર દેશનો

ઘડે જીવન આપણાં;

બને છે આપણા શબ્દો સહજા વાણિ સત્યની,

છે એક ઊર્મિ પ્રત્યેક વિચાર જ્યોતિ-સાગરે.

પછી પાપ અને પુણ્ય અખાડા વિશ્વના તજે;

આપણાં મોક્ષ પામેલાં હૈયાંમાં એ દંગલે ન પછી મચે :

આપણાં કર્મ સાધે છે સંવાદ પરમાત્મના

સાદા સ્વાભાવિક કલ્યાણ શું પછી

કે નિષેવે ધારો સર્વોચ્ચ ધર્મનો.

અમનોહર ભાવો સૌ દુષ્ટતાએ અને જૂઠ વડે ભર્યા

દારુણા દુર્વ્યવસ્થામાં તજે છે નિજ સ્થાનકો,

અવચેતન અંધારે છુપાતા શરમાઈને;

તદા વિજયનો ઘોષ મન ઊર્ધ્વે ઉઠાવતું :

" ઓ આત્મા, આત્મ ઓ મારા, સર્જ્યું છે સ્વર્ગ આપણે,

હૈયે હ્યાં પ્રભુનું રાજ્ય કર્યું છે પ્રાપ્ત આપણે,

કોલાહલે મચ્ચા એક અજ્ઞાન લોકની મહીં

એનો દુર્ગ રચેલ છે.

જ્યોતિની બે નદીઓની વચ્ચે જીવન આપણું

ખાઈબંધ બનેલ છે,

શાંતિ કેરે અખાતે છે પલટાવી દીધું આકાશ આપણે

ને મહામોદનું ધામ બનાવ્યું છે શરીરને.

શું વધારે, શું વધારે, કરવાનું વધારે હજુ હોય જો ? "

ઉત્ક્રાંતિ પામતા આત્મા કેરી મંદ ચાલતી પ્રક્રિયામહીં,

મૃત્યુ ને જન્મ વચ્ચેની અલ્પકાલ ટકનારી દશામહીં,

પ્રારંભની અવસ્થા છે પૂર્ણતાની પહોંચાયેલ આખરે;

કાષ્ઠ-પથ્થરના જેવી સામગ્રીથી આપણી પ્રકૃતિતણી

છે મંદિર બનાવાયું ઉચ્ચ દેવો કરી વાસ જહીં શકે.

મહામથામણે મંડયું જગ એક બાજુએ રાખતા છતાં

પૂર્ણતા એક જનની પરિત્રાણ વિશ્વ કેરું કરી શકે.

૧૦૩


 

નવી એક પમાઈ છે નભો કેરી સમીપતા,

પૃથ્વી ને સ્વર્ગનો પ્હેલો છે વિવાહ થઈ ગયો,

સત્ય ને જિંદગી વચ્ચે ધર્મસંધિ ગહના છે થઈ ગઈ :

છાવણી પ્રભુની નંખાઈ છે માનવ કાળમાં.

૧૦૪


 

પાંચમો  સર્ગ  સમાપ્ત